મહા શિવરાત્રિ

                     આજે મહાવદ ચૌદસ [મહાશિવરાત્રિ]

sanatan_shiva1
આપણા વેદોમાં ત્રણ મહાન રાત્રિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

1] કાળરાત્રિ જે કાળી ચૌદસને નામે ઓળખાય છે.
2] મોહ રાત્રિ જે જન્માષ્ટમીની રાત્રિ તરીકે ઓળખાય છે.
3] મહારાત્રિ જે મહાશિવરાત્રિ તરીકે ઓળખાય છે.

દરેક મહિનાની કૃષ્ણ પક્ષની ચૌદસ શિવરાત્રી કહેવાય છે. પરંતુ મહાશિવરાત્રિ મંગળકારી અને કલ્યાણકારી રાત્રિ છે. દેશભરના અલગ અલગ શિવાલયો અને 12 જ્યોતિર્લિંગના દર્શન અને પૂજનનો આજે પવિત્ર પાવન દિવસ કહેવાય છે. શિવજી જ્ઞાનના દેવ કહેવાય છે તેથી આ રાત્રિ જ્ઞાનરાત્રિ કહેવાય છે. શિવજીને આ મહાવદની રાત્રિ અતિપસંદ છે તેથી આ રાત્રિ મહાશિવ રાત્રિ કહેવાય છે. આ દિવસથી દ્વાપર યુગનો પ્રારંભ થયો હતો અને આ દિવસે જ્યોતિર્લિંગની સ્વયંભૂ ઉત્પત્તિ થઈ હતી એવું મનાય છે.

લિંગપૂજા એ શિવ પૂજાના પ્રતિક રૂપે છે. ભગવાન શિવની પૂજા ફક્ત બીલીપત્ર, ફૂલ અને શુદ્ધ જળથી થાય છે. જો તે શ્રદ્ધા અને અંતઃકરણથી કરવામાં આવે તો અવશ્ય તેમની કૃપા વરસે છે. સંહારનું પ્રતિક ત્રિશૂળ અને સંગીતનું પ્રતિક ડમરૂ એકસાથે રાખનાર આ એક જ દેવ છે. લોકકલ્યાણ ખાતર વિષ પીનારા શિવજી મહાદેવ કહેવાયા. શિવજી આપણા હૃદયને વિકારરહિત બનાવી તેમાં નિવાસ કરે છે.

શંકર એટલે ‘શુભં કરોતી ઈતિ શંકર’, જે કલ્યાણ કરે તે શિવ. શિવજી કહે છે ‘શિવરાત્રિના દિવસે જે ઉપવાસ [ઉપ એટલે સમીપ વાસ એટલે બેસવું] કરી શ્રદ્ધાપૂર્વક જે મારૂં પૂજન કરશે તેને આખું વર્ષ પૂજન કર્મનું ફળ મળશે.
દરેક મહિનાની કૃષ્ણ પક્ષની ચૌદસ શિવરાત્રી કહેવાય છે. ઋગવેદમાં શિવજીની પ્રાર્થના છે કે ‘જેણે પોતાનાં ત્રણ નેત્રોથી ક્રોધ અને લોભનું દહન છે એ શાંત તેજની આપણે ઉપાસના કરીએ છીએ.’ મસ્તકે ગંગા, ભાલ પર ચન્દ્ર ને શરીર પર સર્પોની માળા ધરાવનારા, ભક્તોને રિદ્ધિ-સિદ્ધિ અને મુક્તિ અપાવનાર ત્યાગી હોવા છતાં સંસારી છે. જગત કલ્યાણાર્થે ઝેર પી જઈ નીલકંઠ થનારા, કામને બાળી મૂક્યો છતાં ઉમા સંગ નિવાસ કરનારા, પતિતપાવની ગંગાનું પાન કરનારા, બ્રહ્માંડપતિ, કરુણાસિંધુ, એકાંતવાસી, મહાત્યાગી ને પરમ ઉદાર એવા શિવજીનાં ગુણગાન ગાઈએ એટલા ઓછા છે. તેઓ સત્યમ, શિવમ અને સુંદરમ છે. તેમના સ્વરૂપને જાણવા એમની કૃપા થાય તો જ શિવતત્વને જાણી શકાય છે.

સદાશિવનું પ્રત્યક્ષ બ્રહ્મસ્વરૂપ તેજ અને લલાટે નેત્રની જ્યોતિસ્વરૂપ મહાદેવનું અંતઃકરણથી આ શિવરાત્રિએ આપણા અંતરથી પ્રાર્થના અને પ્રણામ કરી ધન્યતા પામીએ.

                                    ૐ નમઃ શિવાય