જીવની ઊર્ધ્વગામી યાત્રા

                                          આજે માગશર સુદ તેરસ                         

 

                             કૈલાસ યાત્રા—જીવની ઉર્ધ્વગામી યાત્રા

 

 

      કૈલાસ યાત્રા એટલે જીવને શિવ ભણી લઈ જતી ઉર્ધ્વગામી યાત્રા. કૈલાસનું નામ આવતાં જ શિવજીનું સમાધિગ્રસ્તસ્વરૂપ નજર સમક્ષ તરી આવે છે અને મનોમન વંદન થઈ જાય છે. કૈલાસ એટલે દેવાધિદેવ મહાદેવ અને મા પાર્વતીનું નિવાસ સ્થાન. કૈલાસ શબ્દનો અર્થ કિલ + અસ. કિલ અર્થાત અતિ પ્રસિદ્ધ. ઓસ એટલે સત્તા હોવી. સૃષ્ટિની ઉત્પત્તિ પહેલાનો કાળ એટલે પ્રલયકાળ. અને આ પ્રલયકાળ દરમિયાન જેની અતિપ્રસિદ્ધ સત્તા રહેલી તે પરમાત્મા કિલાસ કહેવાય અને તેમનું રહેઠાણ એટલે કૈલાસ અને પ્રલયકાળ ઐકાંતિક સ્થાન એ કૈલાસ, જે શિવસમાધિનું સ્થાન સૂચવે છે. તિબેટમાં આવેલી હિમાલયની હારમાળાને પૂર્વ છેડે આવેલા આ કૈલાસને તિબેટીયનો ‘કંગ-રીપોંચ’ કહે છે. ‘કંગ-રીપોંચ’ અર્થાત ‘Precious Jewel of Snow’. 23,000 ફૂટની ઊંચાઈ ધરાવતા આ કૈલાસને તિબેટીયનો અવનીનો સ્તંભ માને છે. તેનું મૂળ પાતાળનાં અંતિમ છેડામાં છે અને તેનો ઊપરીય છેડો સ્વર્ગનાં ઉપરનાં છેડાને અડકે છે. દંડીસ્વામી શ્રીમદ દત્તયોગેશ્વરદેવ તીર્થ મહારાજના કહેવા મુજબ આ દૃશ્યમાન કૈલાસની ઉપર અદૃશ્ય બીજો કૈલાસ છે. અને જો કૈલાસને જરાપણ આંચ આવશે તો સમજવું કે પ્રલયકાળ પાછો આવશે અને પૃથ્વીનો અંત થશે. કૈલાસ ચતુર્મુખી છે. કૈલાસનો ઉત્તરીય ભાગ ‘સુવર્ણ’, પૂર્વીય ભાગ ‘પારદર્શીય ખનિજ’, દક્ષિણ ભાગ ‘નીલમણી’ અને પશ્ચિમ ભાગ ‘માણેક’ તરીકે ઓળખાય છે. આમ કૈલાસ કુબેરનો ભંડાર ગણાય છે. કૈલાસના નૈસર્ગિક સ્વરૂપને જોઈયે તો કૈલાસ ઉત્તર દિશાથી વિશાળ શિવલિંગ સ્વરૂપે દેખાય છે. પૂર્વ દિશાથી અર્ધનારી સ્વરૂપે દેખાય છે. દક્ષિણ દિશાથી સ્વસ્તિક સ્વરૂપે દેખાય છે અને પશ્ચિમ દિશાથી વિરાટ સિંહાસન સ્વરૂપે દેખાય છે. કૈલાસના ચાર મુખ છે. ઉત્તરીય મુખ મયુરનું કહેવાય છે. પૂર્વીય મુખ હાથીનું કહેવાય છે. દક્ષિણ મુખ વરાહનું કહેવાય છે. લોકવાયકા મુજબ ભગવાન શ્રી વિષ્ણુના અંગુઠામાંથી પ્રગટ ગંગાના ભયાનક સ્વરૂપને નાથવા મહાદેવે ગંગાને પોતાની જટામાં સમાવી દીધી તેથી તેઓ ‘ગંગાધર’ કહેવાયા. ગંગાએ પૃથ્વી પર અવતરણ કરતાં પહેલા તેણે સાતવાર ‘કૈલાસ’ની પ્રદક્ષિણા કરી અને પોતાને ચાર નદીઓના સ્વરૂપમાં વહેંચી દીધી. આ ચાર નદીઓ એટલે બ્રહ્મપુત્રા [લોહિતા], ઈન્દુસ [સિન્ધુ], સતલજ [શતાયુ] અને કરનાલી નદી. ગુજરાતના શિરોમણી કવિશ્રી નરસિંહ મહેતાએ કાવ્યમાં કહ્યુ છે ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ’ જેની પ્રતીતિ આ દેવભૂમિમાં થાય છે. આ અદભૂત કૈલાસ આગળ નથી કોઈ મંદિર કે અહીં નથી કોઈ પુજારી છે તો ફક્ત દિશારૂપી દિવાલો અને ગગનરૂપી ઘુમ્મટ. અહીં પવનના સુસવાટા સમ ઘંટારવ થાય છે. જેની અનુભૂતિ ‘ૐ નમઃ શિવાય’ના પંચાક્ષરના નાદના ગુંજારવ રૂપે થાય છે. પળે પળે બદલાતા આ અદભૂત કૈલાસ પરોઢે અગિપૂંજ સ્વરૂપે દેખાય છે. તો સમીસાંજે કાળમીંઠ સ્વરૂપે દેખાય છે. ક્યારેક સુવર્ણમય દેખાય છે તો ક્યારેક શ્વેત શાંત મુદ્રિત સમાધિ ગ્રસ્ત જણાય છે તો ક્યારેક મેધધનુષી દેખાય છે. આવા અદભૂત કૈલાસને કોઈપણ ઉપમા આપવી એ ‘કૈલાસ’ને વામણો દેખાડવા સમ છે. પ્રથમ કૈલાસ દર્શન ‘રાક્ષસતાલ’ અથવા ‘રાવણતાલ’થી ‘નંદી’ સ્વરૂપે થાય છે. પૌરાણિક કથાઓ મુજબ રાવણે આશુતોષ પ્રભુને પ્રસન્ન કરવા આ તળાવમાં ઊભા રહીને તપ કર્યું હતું. અહીંના જળનું આચમન નથી કરવામાં આવતું. એનું બીજું એ કારણ પણ હોઈ શકે કે માનસરોવર સિવાય અહીંનાં દરેક જળાશયનું પાણી ખારું છે

માનસરોવર એટલે મનઃ સરોવર.

માનસરોવર બ્રહ્માના મનમાંથી ઉત્પન્ન થયુ હતુ. લોકવાયકા મુજબ કહેવાય છે કે દેવોએ સહુ મળી બ્રહ્માજીને પ્રાર્થના કરી કે આ સ્વર્ગ સમી પૃથ્વી પર એમને માટે સ્નાનકુંડ બનાવી આપે. ત્યારે બ્રહ્માજીએ પોતાની મનોશક્તિ દ્વારા આ સરોવરનું નિર્માણ કર્યું. સંસ્કૃત ભાષાનાં પ્રાચીન કવિઓ માટે માનસરોવર પ્રેરણાદાયક છે તેના દૃષ્ટાંત રૂપે મહાકવિ કાલિદાસનાં કાવ્યોમાં માનસરોવરનો ઉલ્લેખ છે. સમુદ્રની સપાટીથી 15,000 ફૂટની ઊંચાઈએ આવેલું આ એકમાત્ર સરોવર છે કે જેનું પાણી મીઠું છે. કહેવાય છે કે એના જળનુ એક ટીપું આપણા પાછલાં સાત જન્મો તારે છે. અને એમાં સ્નાન કરવું એની તો અનુભૂતિ કરી શકાય વર્ણવી શકાય નહીં. માનસરોવર એ ચારે વેદોનો સાર છે. અહીં ધાર્મિક વિધીપૂર્વક હવન તેમજ પિતૃતર્પણ કરવામાં આવે છે. માનસરોવરનું અનોખું સૌંદર્ય ખરેખર મ્હાલવા જેવું છે. મધ્યરાત્રિની શીત ,શાંત, સૌમ્ય ચાંદનીનાં કિરણો ઝીલ્યાં બાદ પરોઢમાં ધીમી ધીમી ફૂટતી આહલાદક પળો મ્હાલવી એ તો જીંદગીભરનું સંસ્મરણ થઈને રહે છે. રાત્રીનાં ટમટમતાં તારલાં એકબીજા સાથે સંતાકૂકડી રમતાં રમતાં ધરતીને સ્પર્શ કરવાની હોડમાં ઊતરતા હોય તેવું ભાસે છે. જાણે કરોડો દેવી દેવતા નીલરંગી ગગનમાંથી ઊતરી આવતા ના હોય ! એમાં પણ જ્યારે વરસાદી વાતાવરણમાં મેઘધનુષ નીલાઆકાશમાં પોતાની પણછ ખેંચતું હોય અને એ દૃશ્ય નીલરંગી માનસરોવરમાં દૃશ્યમાન થાય તો એ દૃશ્ય તો આપણી નજરની ચરમસીમા જ ગણાય ! અવારનવાર બદલાતા રંગભર્યા આ માનસરોવરનાં અબોલ પથ્થરો જાણે પોતાની કથની કહેવા તત્પર હોય તેમ માનસનાં જળમાં દૃશ્યમાન થાય છે. આ પથ્થરો ‘શિવલિંગ’ની જેમ પૂજાય છે.

અષ્ટપદ:- જૈન ધર્મનાં અનુયાયી માટે ‘અષ્ટપાદ’ સૌથી પવિત્ર સ્થળ ગણાય છે.

‘અષ્ટપદ’ એટલે આઠ પગલાં. જૈનધર્મનાં પ્રથમ તીર્થંકર ઋષભદેવે અહીં તપ કરીને આઠ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી અને અહીં નિર્વાણ પામ્યા હતા. તેથી એ સ્થળ અષ્ટપદ તરીકે ઓળખાય છે. જોકે જૈન ધર્મના દરેક તીર્થંકર અહીં જ નિર્વાણ પામ્યા હતા. અહીં અનેક ગુફાઓ છે જ્યાં હજી પણ લામાઓ [બૌદ્ધ સાધુ] તપ સાધના કરે છે. આ સ્થળે પહોંચતા જ અહીંના પવિત્ર સ્પંદનોની અનુભૂતિ થાય છે જેનાંથી મન હળવું બની જાય છે. અહીંથી કૈલાસનાં ખૂબ નજદીકથી દર્શન થાય છે. કૈલાસ દક્ષિણ ભાગનાં દર્શન તો અલૌકિક છે. પ્રભુ અશુતોષનાં ત્રિનેત્રિય દર્શન થાય છે . કોઈકવાર નંદીના પણ દર્શન થાય છે. કહેવાય છે કે સોમવતી અમાસને દિવસે કૈલાસ પર શિવપરિવાર ભેગો થાય છે. અમે અમારી સાત વખત થયેલી યાત્રા દરમિયાન યોગાનુયોગ બે વખત તો સોમવતી અમાસે કૈલાસ યાત્રામાં હતાં. પ્રભુની કૃપાથી બન્ને વખતે શિવ પરિવારના દર્શન થયાં હતાં.અહીંથી નંદી પર્વતનાં પણ સુંદર દર્શન થાય છે. આ દેવભૂમિનાં થોડાંક પણ ‘ઈશ્વરીય સ્પંદન’ જો આપણે પામીએ તો આપણું જીવન ધન્ય બની જાય.

 

                                             ૐ નમઃ શિવાય

Advertisements

2 comments on “જીવની ઊર્ધ્વગામી યાત્રા

  1. How True!

    “ગુજરાતના શિરોમણી કવિશ્રી નરસિંહ મહેતાએ કાવ્યમાં કહ્યુ છે ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ’ જેની પ્રતીતિ આ દેવભૂમિમાં થાય છે. આ અદભૂત કૈલાસ આગળ નથી કોઈ મંદિર કે અહીં નથી કોઈ પુજારી છે તો ફક્ત દિશારૂપી દિવાલો અને ગગનરૂપી ઘુમ્મટ. અહીં પવનના સુસવાટા સમ ઘંટારવ થાય છે. જેની અનુભૂતિ ‘ૐ નમઃ શિવાય’ના પંચાક્ષરના નાદના ગુંજારવ રૂપે થાય છે.”

    GOD IS EVERY WHERE…..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s